



વિજ્ઞાનના વિવિધ પ્રોજેક્ટ દ્વારા જાગૃતિ લાવવાના હેતુસર ભારત સરકાર દ્વારા INSPIRE ( ઈન્સ્પાયર) એવોર્ડ એનાયત કરવામાં આવે છે. નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન ના નેજા હેઠળ ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા આ વર્ષના એવોર્ડ માટે હળવદની તક્ષશિલા સ્કુલના બે વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે. તક્ષશિલા સંકુલમાં ધો. ૯ માં ભણતા વાઘેલા કુલદીપ કિશોરભાઇ અને આશિષ દેવશીભાઈ સુરાણીએ નેશનલ લેવલના ઈન્સ્પાયર એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. NCTS ના હર ઘર કલામ મિશન અંતર્ગત કલામ સાયન્સ સેન્ટર અને ભારત સરકાર દ્વારા ચાલતી હળવદની એકમાત્ર અટલ ટિંકરિંગ લેબમાં કરેલ વિવિધ પ્રોજેક્ટને કારણે વીસ હજાર જેટલી રકમ આગળના મિશન માટે ગ્રાન્ટ મેળવેલ છે. નેશનલ લેવલની ઈન્સ્પાયર એવોર્ડ મેળવનાર બન્ને વિદ્યાર્થીઓને શાળાના એમડી ડો. મહેશ પટેલે સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા. આ સમ્માન સમારંભમાં આ વર્ષે જુનાગઢ, મધ્યપ્રદેશના બુરહાનપુર અને સાયન્સ સીટી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન અને ગણિતના સેમિનારમાં અદ્ભુત પ્રદર્શન કરનાર તક્ષશિલા સંકુલના અન્ય ૮૩ વિદ્યાર્થીઓનુ પણ ટ્રોફી આપીને સન્માન કરાયું હતુ. આ બન્ને વિદ્યાર્થીઓને અટલ લેબ ઈન્ચાર્જ વિપુલ રાઠોડ અને સુરેલા આરતીબેને માર્ગદર્શન આપ્યું હતુ.
