
હળવદ માર્કેટિંગ યાર્ડમાં તલ વેચીને ઘરે પરત જતા એક ખેડૂતને સાધુના વેશમાં ગઠિયાઓ ભટકાય જતા આ ગઠિયાઓ ખેડૂતના રૂ.૧.૧૨ લાખ લૂંટીને ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ધ્રાંગધ્રાના જીવા ગામના અરજણભાઈ રણછોડભાઈ નામના ખેડુત પોતાના તલ હળવદ માર્કેટ યાર્ડમાં વેચવા આવ્યા હતા. જેના રૂ.૧.૧૨ લાખ તેઓને ઉપજ્યા હતા. આ પૈસા લઈ તેઓ બાઇકમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ વેળાએ હળવદના કોયબા રોડ ઉપર એક કારે તેઓને આંતરી બાઇક ઉભું રખાવ્યું હતું. બાદમાં કારના ડ્રાઇવરે ખેડૂતને પૂછ્યું હતું કે અહીં આસપાસ કોઈ મંદિર છે ? આ સાધુ ભેગા છે તેને જવું છે. ખેડૂતે એક હનુમાન મંદિરનો રસ્તો ચીંધ્યો હતો. બાદમાં ડ્રાઇવરે એવું કહ્યું કે આવા સાધુ ક્યાંય જોવા નહીં મળે પગે લાગી લે. જેથી ખેડૂત કારમાં બેઠેલા બાપુને પગે લાગવા ગયા તો ડ્રાઇવર અને બાપુએ બન્ને ખેડૂતને પકડી લઈ પૈસા રૂ.૧.૧૨ લાખ રોકડા અને પાકિટમાં રહેલી અંદાજે રૂ.૧૫ હજાર જેટલી રોકડ ઝૂંટવી લીધી હતી. બાદમાં ખેડૂતને થોડે સુધી ઢસડી કાર પુરઝડપે ચલાવી ખેડૂતને છોડી દીધા હતા. જેથી ખેડૂત ઢસડાઈને ઇજાગ્રસ્ત પણ થયા હતા. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે તપાસનો દૌર શરૂ કર્યો છે.
