Search
Close this search box.

ચરાડવા મહાકાળી આશ્રમ ના મહંત શ્રી દયાનંદ ગીરીબાપુ બ્રહ્મલીન તથા પાલખીયાત્રા માં જનસેલાબ ઉમટી પડ્યો આશ્રમમાં સમાધિ અપાઇ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પૂ.દયાનંદગિરિબાપુ ૧૦ જેટલી મહાવિદ્યામાં પારંગત હતા, સેંકડો આયુર્વેદ દવાઓ પણ શોધી હતી
બાપુની ઈચ્છા હતી કે તેમનો દેહત્યાગ સૌરાષ્ટ્રની પાવન ધરા ઉપર જ થાય, અને એવું જ થયું : આજે વહેલી સવારે બાપુ બ્રહ્મલીન થયા બાદ અંતિમ દર્શન અને પાલખી યાત્રા બાદ સમાધિ અપાઈ : વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અને અઢારેય વરણનો જનસેલાબ પાલખી યાત્રામાં ઉમટ્યોમોરબી : સૌરાષ્ટ્રની ધરા અને સંત અને સુરાની ધરા. આ ધરા ઉપર ધૂણી ધખાવી ધર્મ અને સેવા કાજે સતત સુવાસ મહેકાવી પૂ. દયાનંદગીરીબાપુ આજે બ્રહ્મલીન થયા છે. આજે તેઓની પાલખી યાત્રા નીકળી હતી. બાદમાં સમાધિ પણ અપાઈ હતી. આ વેળાએ અઢારેય વરણના લોકોનો જનસેલાબ ઉમટી પડ્યો હતો. ઉપરાંત મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોએ પણ હાજરી આપી હતી. મોરબી-હળવદ હાઇવે પર આવેલા ચરાડવા ગામ પાસે શ્રધ્ધાના સ્થાનક એવા મહાકાળી આશ્રમના સ્થાપક પૂ. દયાનંદગિરિબાપુએ ૧૩૩ વર્ષની વયે મહાપ્રયાણ કર્યું છે. આજે વહેલી સવારે ૫.૩૦ વાગ્યે તેઓએ દેહત્યાગ કર્યો હતો. પૂ.બાપુ અપાર લોકચાહના ધરાવતા હતા. અસંખ્ય લોકોના દુ:ખ-દર્દ દુર કર્યા હતા. તેમના માર્ગદર્શનથી અનેક સાધકો આધ્યાત્મીક માર્ગે વિચરી રહ્યા છે. પૂ. દયાનંદગિરિબાપુના પાર્થિવદેહને આજે સવારે ચરાડવાના શ્રી મહાકાળી માતાજીના આશ્રમે દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. જયાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા હતા. બપોરે ૧૧ વાગ્યે પાલખી યાત્રા નીકળી હતી. જેમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતી. આ પાલખી યાત્રાનું ચરાડવા ગામમાં પરિભ્રમણ કરાયું હતું.બાદમાં સાંજે ૫.૩૦ વાગ્યે ચરાડવાના શ્રી મહાકાળી આશ્રમે સમાધી આપવામાં આવી હતી.
પૂ. દયાનંદગીરીબાપુ ૧૦ જેટલી મહાવિદ્યામાં પારંગત હતા. બાપુએ આયુર્વેદ થકી હજારો-લાખો દવાઓ શોધી હતી અને આ ઉપરાંત તેઓએ હજારો દર્દીની આ દવાથી સારવાર કરી હતી. જેમાં કેન્સર જેવા રોગનો પણ ઉપચાર કરવામાં આવતો હતો. દેહત્યાગ બાદ બાપુની પાલખી યાત્રા ગામમાં નીકળી ત્યારે બાપુની લોકચાહના અને તેઓ પ્રત્યેનો આદરભાવ દેખાઈ રહ્યો હતો. અઢારેય વરણના લોકો આ વેળાએ ઉમટ્યા હતા. ગામ સ્વયંભુ બંધ રાખવામાં આવ્યું હતું. હજારો ભાવિકો દૂર દૂરથી અંતિમ દર્શન માટે મહાકાળી આશ્રમ પહોંચ્યા હતા. બાપુને સમાધિએ જ જગ્યાની નજીક અપાઈ છે કે જ્યાં બાપુએ શરૂઆતમાં પતરા નાખી અને ધૂણી ધખાવી હતી.બાપુ ૧૯૮૮ થી આ આશ્રમમાં સેવાની સુવાસ ફેલાવી રહ્યા હતા. એક ભક્તના કહેવા અનુસાર બાપુ પોતે જ એવુ માનતા કે એમનો દેહત્યાગ સૌરાષ્ટ્રની ધરતીમાં થાય કેમકે તેમના ગુરુ એ જણાવ્યું હતું કે આ ભૂમિ સંતો અને સુરાઓની છે.આ ઉપરાંત બાપુ અંદ્ધશ્રદ્ધામાં પણ ક્યારેય માનતા ન હતા. બાપુ એ જીવન પરસ્ત ગૌસેવા – અબોલ જીવોની સેવા અને માનવ સેવાની ધૂણી ધખાવી હતી. પોતે આયુર્વેદ ઉપચાર ના જાણકાર હોય અનેક દર્દી નારાયણને કેન્સર જેવા જટિલ રોગોમાં સારવાર આપી સ્વસ્થ બનાવ્યા હતા. તેઓ અહીં દર વર્ષે મોટા પાયે ધાર્મિક ઉત્સવની ઉજવણી કરતા હતા. જેમાં નવરાત્રી, શ્રીમદ્ ભગવત કથા, શ્રી દેવી ભાગવત, શ્રી શિવ મહાપુરાણ સહિત કથા દ્વારા ધાર્મિક ઉત્સવનું આયોજન પૂજ્ય બાપુ ની નિશ્રામાં થતું હતું.
આ આશ્રમમાં ૫૦ ઉપરાંત ગૌવંશ હોય પણ એક પણ રૂપિયાનું દૂધ, દહીં, છાસ, ઘીનું વેચાણ કર્યું નથી. શ્વાન – ઘોડા સહિત નાના મોટા ૧૦૦ થી વધુ અબોલ જીવોની સેવા આ આશ્રમ માં નિઃસ્વાર્થ ભાવે થઈ રહી છે. એક પણ રૂપિયાનો ફાળો પણ હજી સુધી માંગવામાં આવ્યો નથી. આમ બાપુએ પોતાના જીવન દરમિયાન ધર્મ અને સેવાની જે ધૂણી ધખાવી લોકોના દિલમાં અમરત્વ પ્રાપ્ત કર્યું છે.
સૌરાષ્ટ્રના અનેક મહાનુભાવોએ બાપુ સાથેના સંસ્મરણો વાગોળી શ્રદ્ધાંજલિ પાઠવીપૂ. દયાનંદગીરી બાપુની ઓચિંતી વિદાયથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સેવકગણો શોકમગ્ન થયા છે. તેવામાં બાપુના નિકટ એવા અકીલાના મોભી કિરીટભાઈ ગણાત્રા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બાપુ સાથેના જુના સંસ્મરણો વાગોળી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.‌

Leave a Comment

और पढ़ें